Jitesh Donga : Author of Three Bestseller Gujarati Novels

Share

મારો ( Jitesh Donga : Author of Three Bestseller Gujarati Novels ) જન્મ ગુજરાતના અમરેલી જીલ્લાના સરંભડા નામના ગામે વર્ષ ૧૯૯૧ માં ખેડૂત પરિવારમાં થયો. હું બી ટેક ઈલેક્ટ્રીકલ ભણ્યો. એન્જીનીયરીંગ છોડીને અંતે વાર્તા-સર્જક થયો. હાલ બેંગ્લોર રહું છું. વિશ્વમાનવ (૨૦૧૪ ), નોર્થપોલ (૨૦૧૮), ધ રામબાઈ (૨૦૨૦) નવલકથાઓ બાદ હાલ નવી નવલકથા લખી રહ્યો છું.

મને અડદની દાળ અને બાજરાના રોટલાં ખુબ ભાવે! સવારનો કૂમળો તડકો, સાંજનો ઢળતો સૂરજ, અને રાત્રીનું અગોચર આકાશ ખુબ પ્રિય. વરસાદ તો એટલો પ્રિય કે નવલકથાઓમાં એ પાત્ર હોય છે. નદી-કિનારે, દરિયે, ખેતરે, કે જંગલોમાં જાત્રાઓથી ‘કેમ જીવવું’ એની જાગૃતિ આવતી હોય એવું લાગે. ગીર, હિમાલય, નર્મદા સાથે કશોક અનોખો ઋણાનુબંધ છે. એમની યાત્રાઓએ મારગ દેખાડ્યા છે.

હું સાવ માવડિયો. ફેમેલીમેન. ખુબ બધાં મિત્રો. મોટાભાગના વાંચકો જ હવે તો જીગરી મિત્રો છે! ગુજરાતી ભજનોનો અને ઈનસ્ટુમેન્ટલ મ્યુઝીકનો પણ ભારે શોખ. જગતભરની અલગ-અલગ ભાષાઓની ફિલ્મો સાથે પણ ‘વાર્તા’ ને લીધે આધ્યાત્મિક જોડાણ!

સ્પેસસાયન્સ અને એસ્ટ્રોફીઝીક્સનો ખુબ મોટો ચાહક. મને સાયન્સ ફિક્શન, ફ્યુચર ફિક્શન, અને ફેન્ટસી ફિક્શન વિષયો ખુબ જ વ્હાલાં. આ સાયન્સ અને આધ્યાત્મના પ્રેમને લીધે ક્યારેક એવું થાય કે જો હું લેખક અને એન્જીનીયર ન હોત તો કદાચ એસ્ટ્રોનોમર અથવા ખેડૂત હોત.

જીતેશ દોંગા પરિચય

મને ફિક્શનની દુનિયામાં, ખાસ કરીને નવલકથાઓની કાલ્પનિક દુનિયાઓમાં કલાકો સુધી ખોવાઈ જવું ખુબ વહાલું છે. એક સાથે ત્રણ-ચાર નવલકથાઓ વાંચ્યા કરું જેથી એક દુનિયામાંથી બીજી દુનિયામાં ટ્રાન્સપોર્ટ થયા કરું. મારા ઘરે ઠેક-ઠેકાણે પાનાંઓ વાળેલી નવલકથાઓ પડી હોય જેથી હું ઘરમાં ગમે ત્યાં હોઉં એ પુસ્તકને લઈને એનાં પાનાંઓની સુગંધ લઇ શકું અને ધીમેથી એ દુનિયામાં જતો રહું. ક્યારેક ફ્રીજમાં, રસોડામાં, કે ટોઇલેટમાં પણ નવલકથા મળી શકે! પરંતુ આ બધાંથી ઉપર – આઈ લવ ડુઇંગ નથીંગ! કશું પણ કર્યા વિના કલાકો પડ્યા રહેવું એ પ્રિય અવસ્થા છે.

Jitesh Donga Life :

મેં મારા ઘરે એક ‘Lives Wall’ બનાવી છે જેમાં મારા પરિવારને જીવતાં શીખવતાં અને ચૈતન્ય આપનારાં મહાન માણસોના ફોટોઝ છે. એમાં કાર્લ સેગન, રજનીશ ઓશો, કૃષ્ણમૂર્તિ, રવીન્દ્રનાથ ટાગોર, ગોરખ, ગંગાસતી, મારી બા, બાપુજી, કબીર, ઝવેરચંદ મેઘાણી, નીલ ગેઈમેન, મુરાકામી, તેજસ દવે, બ્રહ્મવેદાંતજી, નોલન, કવિ દુલા કાગ, નારાયણ સ્વામી, સુરેશ જોશી, મહર્ષિ અરવિંદ, ડેવિડ એટનબરો, રસ્કિન બોન્ડ, નુસરત સાહેબ, અને ભગવાન બુદ્ધ આ બધાં જ છે.

આ બધું જ અહીં જે લખ્યું એ આજે લખતાં સમયની સ્થિતિ છે, એ કાલે ન પણ હોય કારણ કે આ અસ્તિત્વ નદીની જેમ કેટલાંયે રૂપોમાં વહે છે. આનંદની જાત્રાએ નીકળેલ અચરજપૂર્ણ માનવી તરીકે બસ ઊંડું-મજાનું-મીઠું-ગમતું જીવતાં-જીવતાં હું અન્ય માનવીઓ માટે પણ ઘસાઈને ઊજળા થયા કરું એવું જીવી જાણું તો આ જન્મારો સાર્થક.

લી. જીતેશ દોંગા

જીતેશ દોંગા નો સંપર્ક ની વિગત :

Be part of our Social Media Journey!

Leave a Reply